બંધ કરો

જિલ્લા વિષે

સરકારશ્રીના મહેસુલ વિભાગનાં સૂચના નં. GHM/ 2013/ 69/ M/ PFR/ 102013/ 139/ 2-1, Dated 13/08/2013 થી તા. ૧૫/૦૮/૨૦૧૩ ની અસરથી સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજીત થઈ, નવિન અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે અને તેનુ મુખ્યમથક મોડાસા રાખેલ છે (ગુજરાત લે.રે.કોડ ૧૮૭૯ ની કલમ-૭ હેઠળ).

ઉકત જહેરનામા મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થાય છે. મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ.

ત્યારબાદ સરકારશ્રીના મહેસુલ વિભાગનાં Notification No. GHM/ 2013/ 77/ 2013/ PFR/ 102013/ 139/ 2-1, Dated 15/08/2013 થી તેમાં જાહેર કરેલ યાદિ મુજબ ભિલોડા તાલુકાના કુલ ૧૭ ગામોનો હિંમતનગર તાલુકામાં (સાબરકાંઠા જિલ્લો) સમાવેશ કરેલ છે. તથા ત્યારબાદ જુમસર અને મુનાઈ બે ગામોનો ઈડર તાલુકામાં સમાવેશ થતા ભિલોડા તાલુકામાં ૧૪૫ ગામો રહેલ છે.

જિલ્લાનું દર્શન

અરવલ્લી જિલ્લો અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.

શામળાજી એટલે કાળીયા ઠાકોરનું તીર્થધામ. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલુ શામળાજી અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી વચ્ચે કુદરતી સુંદરતા ધરાવતુ અનોખું તીર્થધામ છે. શામળાજીમાં દર વર્ષે કાર્તિકી પૂનમ / દેવ દિવાળીએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ ભવ્ય મેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વર્ષ ૨૦૦૮-૦૯ ની ઉજવણીનાં ભાગરૂપે હાથ ધરેલ પ્રવાસન સ્થળ વિકાસન યોજના હેઠળ પ્રસિધ્ધ શામળાજી વિષ્ણું મંદિર અને તેની આસપાસનાં વિકાસ માટે રૂ. ૫૬૦.૧૨ લાખની ફાળવણી કરવામાં આવેલ છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામને આકર્ષક યાત્રાધામ તરીકે વિકસાવવા માટે કાર્યવાહિ કરવામાં આવેલ છે. બાયડ તાલુકામાં ઝાંઝરીનો ધોધ નૈસર્ગિક સૌંદર્યધામ તરીકે આગવી ઓળખ ધરાવે છે.

આ જિલ્લામાં ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે. જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે.

જિલ્લાનાં કુદરતી ખોળે વસતા વનવાસી આદિજાતી લોકોની આગવી સંસ્કૃતિ, રીત-રિવાજ, આભૂષણો અને ઉત્સવો આગવી ઓળખ ધરાવે છે. સરકારશ્રીએ આદિજાતી વિસ્તાર તથા આદિજાતી લોકોનાં નબળા આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ ડગ માંડી રહ્યા છે.

વિદ્યાપુરુષ ઉમાશંકર જોષીનો જન્મ પણ ભિલોડા તાલુકાનાં બામણા ગામમાં થયો હતો અને તેઓએ સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપેલ છે.

રેકર્ડ પ્રમોલગેશનની શરૂઆત અરવલ્લી જિલ્લાએ કરી છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. મોડાસા તાલુકાનાં ખંભીસર ગામે જિલ્લાનાં મુખ્ય સ્ટોનને લગતી માહિતી સાથે વિકસાવવામાં આવતા આ રી-સર્વેની કામગીરીને લગતું નમૂનારૂપ કેન્દ્ર બને છે.

જિલ્લાના મોડાસા તાલુકાનાં ખડોદા તેમજ ભાટકોટા ખાતે સોલાર પાર્ક ઉભો કરાયો છે. આ સોલાર પાર્ક થકી આસ-પાસનાં ગામોનાં ૨૦૦ થી વધુ લોકોને રોજગારીની તકો ઉભી થઈ છે. તેમજ અંદાજે ૨૦,૦૦૦ ઘરોને વિજળી પૂરી પાડી શકાય તેમ છે. આ સોલાર પાર્કનો લાભ ૧૫૦ થી વધુ ગામોને મળશે.

જિલ્લાની વિશેષતાઓ

  1. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
  2. મહત્વની ખેતપેદાશોમાં મકાઈ, ઘઉં, ચણા, એરંડા, બાજરી, કપાસ વગેરે છે.
  3. જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થયેલ છે. (મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ)
  4. કુલ ગામો ૬૭૬ તથા કુલ વસતી ૯,૦૮,૭૯૭ છે.
  5. મહત્વનાં ખનીજોમાં ગ્રીટ, કપચી, મેટલ છે.
  6. જિલ્લામાંથી વાત્રક, મેશ્વો, માઝુમ, શેઢી, ઈન્દ્રાસી, સાકરી વગેરે નદીઓ પસાર થાય છે.
  7. મોડાસા અને બાયડ શહેરી વિસ્તાર છે તથા આ બન્ને શહેરોમાં નગરપાલિકા અસ્તિત્વમાં છે.
  8. જિલ્લાનાં ધનસુરા મુકામે જવાહર નવોદય વિદ્યાલય આવેલ છે.
  9. ધનસુરા તાલુકાનાં વડાગામ તેમજ જશવંતપુરા, સીમલી, રાજપુર, આકરૂન્દ વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.
  10. બાયડ તાલુકાનો સાઠંબા, પગીયાના મુવાડા, બોરડી, વાત્રક વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.

જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે અગ્ર હરોળમાં છે.